ગુજરાત સરકારના ધારાસભ્યો માટે હવે નવા અને લક્ઝુરિયસ આવાસ તૈયાર થઈ ગયા છે. ગાંધીનગરના સેક્ટર-17 વિસ્તારમાં 220 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ 216 ફ્લેટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે ભાઈબીજના દિવસે, એટલે કે 23મી ઓક્ટોબરે થવાનું છે. આ પ્રસંગે ધારાસભ્યો તેમના નવા નિવાસમાં ‘ગૃહપ્રવેશ’ કરશે.
રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે પૂર્ણ થવા પામ્યો છે. જૂના MLA ક્વાર્ટર્સ હવે જર્જરિત બની ગયા હતા, જેના કારણે નવો આધુનિક અને સુવિધાસભર હાઉસિંગ કોમ્પલેક્સ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કોમ્પલેક્સમાં કુલ 12 ટાવર છે, દરેક ટાવર 9 માળનો છે અને તેમાં કુલ 216 લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે.
આ નવા નિવાસો માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સુવિધા દૃષ્ટિએ પણ આધુનિક છે. દરેક ફ્લેટમાં 4 બેડરૂમ, લિવિંગ રૂમ, ઓફિસ રૂમ, રીડિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ધારાસભ્યોને રોજિંદા કાર્ય અને આરામ બંને માટે પૂરતો વિસ્તાર મળશે.
આ રહેણાંક કોમ્પલેક્સમાં અનેક જાહેર સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. તેમાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટિન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઈન્ટરનેટ લાઉન્જ, ઈન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ અને એરોબિક્સ ઝોન, તેમજ જોગિંગ અને વોકિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે. કોમ્પલેક્સમાં કુલ 4 ઈન-આઉટ ગેટ પણ બનાવવામાં આવ્યા છે, જેથી સુરક્ષા અને અવરજવર સુલભ બને.
દરેક ફ્લેટની કિંમત આશરે રૂ. 1 કરોડ જેટલી થાય છે. હાલમાં ધારાસભ્યોને મહિને 1.18 લાખ રૂપિયાનું વેતન મળે છે, જ્યારે તેઓ પોતાના આવાસ માટે મહિને ફક્ત રૂ. 37.50 જેટલું ભાડું ચૂકવે છે — એટલે કે રોજના ફક્ત સવા રૂપિયામાં ઘર. નવા લક્ઝરી ફ્લેટ તૈયાર થયા બાદ ધારાસભ્યોના ભાડામાં થોડો વધારો થવાની શક્યતા છે.

