Ambalal Patel, Gujarat Weather Forecast: રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો હવે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ શિયાળુ માહોલ વચ્ચે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબ સાગરમાં સક્રિય થયેલી એક હવામાન સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આગામી 4 નવેમ્બર સુધી ગુજરાતમાં શિયાળુ ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. અરબ સાગરમાં સર્જાયેલી આ સિસ્ટમ થોડા દિવસોમાં જ સંભવિતપણે તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ તોફાની સિસ્ટમનો ભેજ ગુજરાત તરફ આવવાની સંભાવના હોવાથી, રાજ્યમાં ભર ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે.
ક્યાં-ક્યાં થશે કમોસમી વરસાદ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારો માટે કરી છે. તેમની આગાહી અનુસાર, આ સિસ્ટમને કારણે હાલ ફરી એકવાર ચોમાસાનો માહોલ સર્જાશે. ધીરે ધીરે સુરત, આહવા અને મુંબઈના ભાગોમાં વરસાદની શરૂઆત થશે, જેમાં મુંબઈના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતના ભાગોમાં દર શિયાળે ચોમાસુ આવે તેવી શક્યતા આ માસના અંતમાં અને લગભગ 4 નવેમ્બર સુધીમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે.
સૌરાષ્ટ્ર પર અતિભારે વરસાદનું સંકટ
કમોસમી વરસાદની સંભાવના વચ્ચે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વડોદરા, ખંભાત, સાતપુરા, મહેસાણા, બનાસકાંઠા તેમજ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે, સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ શિયાળાની શરૂઆતમાં જ આવતા ખેતીના પાકોને નુકસાન પહોંચાડી શકે છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

